GPSC માં છેલ્લા પાંચ વર્ષોથી નથી થઈ SC સભ્યની નિમણૂંક

SC સમાજના અરજદારોને થાય છે GPSC માં અન્યાય: જ્ઞાતિ નિર્મૂલન સમિતિ
તા. 22/12/2024 ગાંધીનગર, આજરોજ જ્ઞાતિ નિર્મૂલન સમિતિ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્ય સરકારના અનુસૂચિત જાતિના (SC) મંત્રીઓને આવેદનપત્ર આપવામાં આવેલ હતું. આ આવેદન પત્રમાં નીચે મૂજબ જણાવવાનું આવેલ હતું...

"વંદે માતરમ, સહ ઉપરોકત વિષયના અન્વયે આપશ્રીને જણાવવાનું કે, "જ્ઞાતિ નિર્મૂલન સમિતિ" ગુજરાત રાજયમાં મુળભુત બંધારણીય હકક અધિકારો તેમજ માનવ અધિકારોના રક્ષણ, સંરક્ષણ અને સંવર્ધન અંગે પ્રચાર-પ્રસાર ધ્વારા લોક જાગૃતિનું કામ કરે છે,
તથા લોકોમાં પોતાના બંધારણીય મુળભુત હકક અધિકારો પ્રત્યે નિસ્બધતા અને પ્રતિબધ્ધતા ઉભી થાય તે માટે સતત અને સઘન પ્રયત્નો કરે છે.

વિષયના અનુસંધાને આપશ્રીને જણાવવાનું કે, ગુજરાત પબ્લીક સેવા આયોગ (જી.પી.એસ.સી.)માં છેલ્લે અનુસુચિત જાતિના નાથુભાઈ દેવજીભાઈ સોસા ને ૨૦૧૬ માં બંધારણના આર્ટીકલ ૩૧૬ ખંડ (૧) ની રૂએ નિમણુંક કરવામાં આવેલ હતી. 
પરંતુ તેમની મુદત પુરી થતાં આજદિન સુધી અનુસુચિત જાતિના સભ્યની નિમણુંક ગુજરાત જાહેર સેવા -આયોગમાં કરવામાં આવેલ નથી જે લોકશાહી શાસન પ્રણાલીમાં વખોડવા પાત્ર છે.

તથા સમગ્ર અનુસુચિત જાતિ તથા "જ્ઞાતિ નિર્મૂલન સમિતિ” સરકારની આ પ્રકારની વહીવટી નિમણુંકમાં અસ્પૃશ્યતા રાખી હોય તેવું સમગ્ર દલિત સમાજ અને જ્ઞાતિ નિર્મૂલન સમિતિ મહેસુસ કરે છે.
ગુજરાત જાહેર સેવા આયોગમાં અનુસુચિત જાતિના ૨ (બે) સભ્યોની નિમણુંક નહી કરવાના કારણે છેલ્લા ૫ (પાંચ) વર્ષથી સરકારની ભરતી પ્રક્રિયાઓમાં અનુ.જાતિના અરજદારોને ઘોર અન્યાય થાય છે.

અને ભરતી પ્રક્રિયામાં બેઠેલા અધિકારીઓ /સભ્યો પોતાનું જ્ઞાતિવાદી, મનસ્વી વલણ અપનાવીને અનુસુચિત જાતિના લોકોને વહીવટી પ્રક્રિયાથી અળગા રાખીને આભડછેટ રાખે છે. જેને જ્ઞાતિનિર્મૂલન સમિતિ સખ્ત શબ્દોમાં વખોડી નાંખે છે.

ગુજરાત સરકાર ધ્વારા ગુજરાત લોક સેવા આયોગમાં અનુ.જાતિના ૨ (બે) સભ્યોની નિમણુંક છેલ્લા ૫ (પાંચ) વર્ષથી નહી કરીને એક ષડયંત્રના ભાગ રૂપે સમગ્ર અનુ.જાતિના લોકોને ભરતી પ્રક્રિયામાં ઘોર અન્યાયકારી વલણ અપનાવેલ છે.
આમ ઉપરોકત વિગતો તથા બંધારણીય સ્પષ્ટ અને ફરજીયાત જોગવાઈઓને ધ્યાને લઈને ગુજરાત લોક સેવા આયોગમાં અનુસુચિત જાતિના ૨ (બે) સભ્યોની તાત્કાલીક અસરથી નિમણુંક કરવા "જ્ઞાતિ નિર્મૂલન સમીતી"ની સંવૈધાનિક અપીલ કરવામાં આવે છે.

આગામી સમયમાં ગુજરાત લોક સેવા આયોગમાં અનુસુચિત જાતિના ૨ (બે) સભ્યોની નિમણુંક કરવામાં નહી આવે તો આગામી સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓનો સમગ્ર દલિત સમાજ બહિષ્કાર કરશે."