તિલક, તરાજુ, તલવાર અને બસપા : મયુર વાઢેર

બહુજન સમાજ પાર્ટી એક વ્યાપક રાજકીય પ્લેટફોર્મના રૂપમાં ચુંટણીના માધ્યમથી થતી સ્પર્ધામાં ટકી રહેવા માટે અન્ય પક્ષોની મત અંકે કરવાની રણનીતિ સામે સતત હરીફાઈમા રહી છે. 


તેણે અન્ય પક્ષો દ્વારા મતદારોનું ધ્રુવિકરણ કરવાની રણનીતિને મ્હાત આપવા માટે રાજકીય પ્રયોગો કર્યા છે. 

આજે “તિલક, તરાજૂ તલવાર..”ના સૂત્રને બદલવા માટે બસપાની ટીકા થઈ રહી છે. માયવતીએ બ્રાહ્ણણોને બહુજન સમાજ પાર્ટીમા પ્રવેશ આપ્યો તેનાથી નારાજ અંતિમવાદીઓ એ વાતથી તદ્દન અજાણ છે કે સ્વયં માન્યવર કાશીરામ સાહેબે 2001માં સૌપ્રથમ વાર 92 બ્રાહ્ણણ-ઠાકૂરોને બસપાની ટીકીટ આપી હતી. તેમાથી 43 ઉમેદવારો જીત્યાં હતા. 

કોઈ ચોક્કસ જાતિને તેના જન્મના આધારે રાજકીય સંસ્થાઓમાં નિષેધ ભારતની બંધારણીય ભાવનાના ચોખઠામા પણ બેસતી નથી. તો તેની સમાંતરે બાબાસાહેબે બ્રાહ્મણ અને બ્રાંહ્મણવાદ અંગે કરેલી સ્પષ્ટતાના ચોખઠામાં પણ બેસતી નથી. મહાડ ચવદાર તળાવ સત્યાગ્રહ વખતે જેધે અને જવળેકરે બાબાસાહેબ સમક્ષ બ્રાહ્મણોને સત્યાગ્રહમા સામેલ ન કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો.

 ત્યારે બાબાસાહેબે તેમના પ્રસ્તાવનો ઈનકાર કરતાં કહ્યું હતું કે, “આપણી લડાઈ બ્રાહ્ણણ કે કોઈ ચોક્કસ જાતિ સામે નહિ પણ બ્રાહ્ણણવાદ સામે છે. અસ્પૃશ્યતામા માનતા અને ન માનતા વચ્ચેનો છે.” રાજકીય પક્ષોના સૂત્રો પણ રાજકીય પ્રયોગોનો જ મહત્વનો ભાગ છે. દરેક પક્ષો આ પ્રકારના રાજકીય પ્રયોગો દ્વારા મતો અંકે કરવાનો આશય પાર પાડતા હોય છે.



 ‘કસમ રામ કી ખાતે હૈ, મંદીર વહી બનાયેગે’ જેવા નારા પોકારતુ ભાજપ આજે ‘સબકા સાથ સબકા વિકાસ’ જેવા સૂત્રો પોકારે છે. સંસદમા હિન્દુ કોડ બિલ રજૂ થયુ તે સમયે આંબેડકર વિરોધી નારાઓથી દિલ્હીની ગલીઓ ગુંજાવતી સનાતની સંસ્થાઓ આજે બાબાસાહેબની જન્મજયંતિ વાજતે-ગાજતે ઉજવી રહ્યી છે. તો એનો અર્થ એ નથી કે તેનું વિચારધારાત્મક ચરિત્ર આજે આંબેડકરવાદી થઈ ગયું છે. 

લોકતંત્રમા લોકોની વચ્ચે સતત જમીની સ્તર પર રહીને મત અંકે કરવાની રણનીતિના આટાપાટા રાજકારણનું મેદાન બનતું હોય છે. રાજકીય પક્ષ હોવાના નાતે બસપાએ પણ આ બાબતથી સતત સજાગ રહે છે. પોતાની પાર્ટીને લોકો સુધી લઈ જવા માટે સૂત્રો બદલવાની રણનીતિથી પક્ષની વિચારધારા બદલાતી નથી તે પણ એક નરી હકીકત છે. 



નરેન્દ્ર મોદીએ 2012મા સદભાવના ઉપવાસ કરીને તેના હિન્દુવાદી ચહેરાની છાપ લૂછવાનો પ્રયાસ કર્યો હતો. સંઘમા પણ મુસલમાનોને પ્રવેશ આપ્યો છે. તેનો અર્થ એ નથી કે મોદી કે સંઘએ હવે તેની મૂળ વિચારધારા ભૂલી ગયા છે. 

સંઘ અને ભાજપના સમર્થકો એ વાત સારી રીતે જાણે છે કે બાબાસાહેબની જન્મજયંતિ ઉજવવાથી કે મુસલમાનોને સંઘમા પ્રવેશ આપવાથી સંઘ કે ભાજપની વિચારધારા બદલાઈ જતી નથી. તેથી તેના સમર્થકો તેનો દુષ્પ્રચાર કરતા નથી પણ તેની આ રણનીતિનો ખૂબ ફેલાવો કરે છે. કારણ કે તેઓ જાણે છે કે મતના રાજકારણમા ટકી રહેવા માટે જૂદા-જૂદા જનસમૂહોને આકર્ષવા માટે રાજકીય પ્રયોગનો ઉપયોગ કરવો પડે છે.

 તેથી જ વર્ષો પહેલાના સૂત્રોને સમયને અનુકૂળ બનાવી ચુંટણીના રાજકારણમા પોતાનું અસ્તિત્વ ઉભું રાખવુ પડે છે. ભારતનાં બંધારણમાં દેશની બહુમત સામાજિક-પછાત પ્રજાનાં હકોનો મેગ્નાકાર્ટા હોવાને લીધે સવર્ણમતોને ગલગલિયા કરાવવા માટે ભાજપે અને તેની જનની સંઘે અનામત અને બંધારણ પ્રત્યે દ્વેશ જન્મે તેવા નિવેદનો આપ્યાં છે. 
અર્થાંત નખશીષ બંધારણ વિરોધી-નખશીષ અનામત વિરોધી પક્ષે અનામતને જાહેર ટેકો આપીને ભરપૂર રાજનીતિક રણનિતી અખત્યાર કરી હતી.

 બહેન માયાવતીના શાસનમાં ઉત્તરપ્રદેશમાં 2007-08માં પ્રમોશનમાં અનામત આપી,તેને અલ્હાબાદ હાઈકોર્ટે નિરસ્ત કર્યો હતો. એટલે બહુજન સમાજ પાર્ટીના પ્રયત્નોને લીધે 2012માં SC-ST માટે પ્રમોશનમાં અનામત અપાવવા માટે લોકસભામાં 117મું સંવિધાન સંશોધન રજૂ થયું ત્યારે અનિચ્છાએ ભાજપે પણ તેને ખુલ્લો સપોર્ટ આપ્યો પડ્યો હતો.

તેને પ્રમોશનમાં અનામત તો શું એન્ટ્રી અનામત પણ મંજૂર નથી તો’ય તેણે છડે ચોક પ્રમોશનમા અનામતના બિલને સમર્થન આપ્યું હતું. કેમકે ત્યારે ભજપે વિરોધ કર્યો હતો તો પણ એ બિલ પાસ થવાનું હતું અને ન થાય તો સુપ્રિમ કોર્ટમાં પ્રમોશનમાં અનામત આપવાની જ હતી. એટલે તેણે તેનો ખુલ્લો વિરોધ કરવાને બદલે ખુલ્લુ સમર્થન આપ્યું. આ તેની રાજકીય રણનીતિ હતી. 

બસપાના 10 ટકા કથિત આર્થિક અનામતના સમર્થનને રાજકીય રણનીતિના પરીપ્રેક્ષ્યમાં જોવી જોઈએ. છતા કોઈ બિંદુએ મારી-તમારી અસહમતી હોય તો પણ બહુજન રાજનીતિને વિકસિત કરીને જ એ અસહમતિ દૂર કરી શકાશે, બહુજન રાજનીતિનો છેદ ઉડાડીને નહીં.
લેખક : મયુર વાઢેર