ધારો કે આપણને ઉર્દુ, અરબી કે પર્શિયન ભાષા જબરજસ્તીથી બોલવાનું કહેવામાં આવે તો ! આપણે એકઝાટકે કહી દઈએ “ના. એ નહીં બને. ” પણ બીજી જ ક્ષણે એની કડક શરતો જાહેર થાય કે, જો તમે આ ભાષા નહીં શીખો કે નહીં બોલો તો આજથી તમારા વીજળી, પાણી, રાશન અને તબીબી સુવિધા સહિત બધી જ સુવિધાઓ બંધ. કદાચ આ શરતો સાંભળીને આપણે ચોક્કસ એ ભાષા શીખવા મંડી પડીએ.
આ લેખના લેખક જેઠાભાઈ સેનવા છે.
કંઈક આવી જ સ્થિતિ અત્યારે રશિયન તાબા હેઠળ આવી ગયેલા યુક્રેનનના નગરિકોની થઈ છે. 21 ફેબ્રુઆરીને યુનાઇટેડ નેશન્સ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ તરીકે પૂરા વિશ્વમાં ઉજવવામાં આવે છે.
આ દિવસ જાહેર કરવાના મુખ્ય ઉદ્દેશ્યો પૈકી એક ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ભાષાઓના વધતા પ્રભાવ સામે માતૃભાષાનું સંવર્ધન કરવાનો પણ છે.
પરંતુ આજે યુક્રેન માતૃભાષા અને માતૃભૂમિ બચાવવા ઝઝુમી રહ્યું છે છતા યુનાઇટેડ નેશન્સ ‘રાયચંદ’બનીને બેસી રહ્યું છે.
રશિયા સામેના યુદ્ધના ચાર વર્ષમાં યુક્રેનની હાલત ખસ્તા થઈ ગઈ છે. એમાંય ડોનેસ્ક, લુહાન્સ્ક, ખેરસન અને ઝાપોરિજઝિયામાં વસતા યુક્રેનિસન્સની હાલત તો ખૂબ જ દયનીય છે.
રશિયાના અંકુશ હેઠળના વિસ્તારમાં રશિયાએ યુક્રેનની ટોપોગ્રાફી બદલવા યુક્રેનિયન્સ પર યુક્રેનિયન ભાષા બોલવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
લોકોને પરાણે રશિયન ભાષા, સંસ્કૃતિ, પોષાક અને ખોરાક અપનાવવાની ફરજ પાડવામાં આવી રહી છે. જો તેમ ન કરે તો તેમને અટકાયત કેન્દ્રોમાં બંધ કરી દેવામાં આવે છે.
એટલું જ નહીં અહીં વિદેશ ભાગી જવામાં સફળ રહેલા તેમના સંતાનો કે સગાંઓને પણ કોઈ પણ સંદેશ યુક્રેનિયન ભાષામાં ન મોકલવા વિનંતી કરે છે.
અહીંથી યુદ્ધના પગલે એક કરોડ લોકો યુરોપમાં પલાયન કરી ગયા છે. જો રશિયન તાબાના યુક્રેનમાંથી કોઈ પોતાની માતૃભાષાનો પ્રયોગ કરતા પકડાય તો એમને જીવનું જોખમનું કે નર્કાગાર કેદ સિવાય બીજી કોઈ સજા નથી.
અહીંના લોકો માટે માતૃભાષાના કરતા રશિયાની રોટી વધારે મહત્વની છે. તેથી યુક્રેનિયન્સ માટે જીવવું હોય તો રશિયન ભાષા બોલવા સિવાય છુટકો જ નથી.
ઉપરોક્ત ઘટના પરથી શું બોધપાઠ લઈ શકાય ?
પહેલો કે કોઈના હાથા બનવું નહીં. ક્યારેક હાથા બનેલ કુહાડો પોતાના પગ પર પણ કઠોરાઘાત કરી શકે છે. બીજો જો બાઝવુ હોય તો બાવડાના બળે જ. પારકા ખીલે ક્યારેય ન કૂદાય.
યુક્રેનની બાબતમાં તમે આ બંને વાતો સારી રીતે સમજી ગયા હશો. રશિયા અને યુક્રેન યુદ્ધનો જલદીથી અંત આવે અને યુક્રેન નાગરિકોની દુર્દશામાં સુધારો થાય તો આવતા ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ની ઉજવણી સાર્થક.
