Rajkot: ચૂંટણી પ્રચાર માટે ધાર્મિક સ્થળોના ઉપયોગ પર પ્રતિબંધ

રાજકોટ તા. ૦૭ એપ્રિલ - રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની સામાન્ય ચૂંટણીઓ અન્વયે મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬ તથા મતગણતરી તા.૨૮/૦૪/૨૦૨૬ના રોજ થનાર છે. 


ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાએ જાહેરનામા દ્વારા પ્રતિબંધાત્મક આદેશો કર્યા છે. 

જે મુજબ, રાજકોટ પોલીસ કમિશ્નરેટ વિસ્તારોમાં કોઈપણ રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેમના કાર્યકરો, સર્મથકોએ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ભાષણો, પોસ્ટરો, સંગીત વગેરે સહિત, મંદિરો, મસ્જીદો, ચર્ચ, ગુરૂદ્વારા જેવા ધાર્મિક સ્થળો/સંસ્થાઓ અથવા કોઈપણ પ્રકારના પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવો નહીં.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે કાનુની કાર્યવાહી તથા તે હેઠળ સજાને પાત્ર થશે. 

આ હુકમ અન્વયે રાજકોટ કમિશ્નરેટમાં ફરજ બજાવતા અનાર્મ આસિસ્ટન્ટ સબ ઇન્સપેકટર અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈ પણ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર હકુમત હેઠળ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ એપ્રિલ-૨૦૨૬ હેઠળના વિસ્તારમાં આ હુકમ તા.૨૮/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.