Unsung Heroes Of Ambedkarism # અકિંચન આંબેડકરવાદીઓ
બહુજન આંદોલનકારી ડી. પી. મૌર્યને સલામ
1981થી 1990ના તોફાની સમયમાં અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં અપના બજારની લોનમાં રોજ સાંજે બહુજન કર્મશીલો એકઠા થતા હતા, એમાં બેઠી દડીના, શરીરે અને વિચારે બંને રીતે સશક્ત ડી. પી. મૌર્યની હાજરી હંમેશાં રહેતી હતી.
ઉર્જાસભર ડી.પી.ની ચર્ચાનું કેન્દ્રબિંદુ બહુજન આંદોલન જ રહેતું. ડી.પી. ગુજરાતભરમાં ઘૂમતા, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં વિશેષ જતા અને બહુજન વિચારધારાનો પ્રચાર પ્રસાર કરતાં. માથે ઘુંઘરાળા વાળ, વિશાળ કપાળ અને તીણું નાખ ધરાવતા ડી. પી. બરછટ હતા. સતત કંગાલિયતમાં જીવેલા, પરંતુ બહુજન વિચારધારા છોડી નહોતી.
સત્યશોધક સમાજની પ્રારંભિક (પછીની નહીં) સભાઓમાં અછૂતે એંઠુ કરેલા પાણીનો ગ્લાસ વચ્ચે મુકાતો અને આવનાર સવર્ણ-ઓબીસી એ ગ્લાસમાંથી પાણી પીવે પછી જ એને સત્યશોધક સભાનો સભ્ય બનાવવામાં આવતો.
ડી. પી. પણ શુદ્ધિકરણની એ રીત સવર્ણો સાથે મિત્રતા કરતા પહેલાં અજમાવતા. ટ્રેડ યુનિયનિસ્ટ અને બ્રાહ્મણ જાતિના ભુપેન્દ્ર ઠાકર જ્યારે એમને પહેલીવાર લોનમાં મળ્યા ત્યારે સૌ ચા પી રહ્યા હતા. કોક મિત્રએ ભૂપેન્દ્રભાઈની અને ડી. પી.ની ઓળખાણ કરાવી. થોડીક અલપ ઝલપ વાતો થઈ, પછી ડી. પી. એ અચાનક ચાનો કપ ઠાકરસાહેબ સામે ધરીને કહ્યું, આ મારો એંઠો કરેલો ચાનો કપ છે, તમે એમાંથી એક ચુસકી મારો, તો તમને હું મારા મિત્ર ગણીશ.” ઠાકરસાહેબ મજાના માણસ હતા, પણ આ વાત સાંભળીને છંછેડાઈ ગયેલા.
પાછળથી મને ફરીયાદ કરી કે પેલો ડી. પી. કેવો માણસ છે. એની એંઠી ચા પીવે એ જ માણસ સાચો એવું કહે છે. મને ઠાકરસાહેબની વાત સાંભળીને રમૂજ થઈ. ડી. પી.ની વાત તો સોલિડ હતી.
આવા બહુજન બંકા ડી. પી. મોર્યનું તાજેતરમાં અવસાન થયું. કોઇએ એની નાનકડી નોંધ પણ ના લીધી. ગુજરાતમાં બહુજન આંદોલન ઠરીને ઠીકરું થઈ ગયું છે. મોટાભાગના કહેવાતા આંદોલનકારીઓ કોંગ્રેસ-ભાજપના સરકસમાં જોડાઈને ગર્જનાઓ કરી રહ્યા છે. ત્યારે ડી. પી. જેવા કર્મઠ સિંહો યાદ આવે છે.
દિવંગત સાથી ડી. પી. મૌર્યને રાજુ સોલંકીની કરારી ભીમ સલામ.
તા.ક. ડી. પી. મૌર્યનો કોઈ ફોટો ઉપલબ્ધ નથી.


