ગુજરાતે ગર્ભશ્રીમંત ગાંધીવાદીઓને જોયા છે, કેમ કે મીડીયાએ એમની પરોપકારીતા, દાતારી, ફીલાન્થ્રોપી, ઉદારતા, ઓજસ્વિતાના ખોબા ભરી ભરીને વખાણો કર્યા છે.
એક ગાંધીવાદી જન્મે એટલે એને માના પેટમાં જ એવોર્ડ મળી જાય છે. પરંતુ, ગાંડી ગુજરાતે અકિંચન આંબેડકરવાદીઓને ઓળખ્યા નથી. મીડીયામાં એમનું નામોનિશાન નથી. એમનો નેક્સ્ટ ડોર નેબર પણ એમને પહેચાનતો નથી. આવા અંકિચન આંબેડકરવાદીઓની ઓળખાણ કરાવવી એને હું મારું પરમ કર્તવ્ય માનું છું.
![]() |
જોનીભાઈ મકવાણા
|
આવો એક વીસરાયેલો વીરલો છે જોની મકવાણા. ગુજરાતના આંબેડકરી આંદોલનની ઐતિહાસિક ભૂમિ અમદુપુરા વિસ્તારમાં આર્યોદય મીલની ચાલીમાં રહેતા જોનીભાઈ ચાલીસ વર્ષથી ગુજરાતના બહુજન આંદોલન સાથે જોડાયેલા છે. માંડ પાંચ ચોપડી ભણ્યા પછી પુખ્ત ઉમરના થયા અને જોનીભાઈ આર્યોદય મીલના સાંચા પર ચડી ગયેલા તે મીલ બંધ પડી ત્યાં સુધી કામ કર્યું. ફંડ-ગ્રેજ્યુઇટીના નામે એક કાણો પૈસો પણ ના આપ્યો મીલે. જોનીભાઈ નિરાશ થયા વગર ભયાનક કંગાલિયતના દિવસોમાં પણ બહુજન સમાજ પાર્ટીની પત્રીકાઓ વહેંચતા રહ્યા, ‘આજ કા સુરેખ ભારત’ મેગેઝિનની થપ્પીઓ સાઇકલના પાછળના સ્ટેન્ડ પર મુકીને એના મુઠ્ઠીભર ગ્રાહકોના ઘરે જઇને આપતા રહ્યા, બાબાસાહેબના અક્ષરદેહની કિતાબો ખુલ્લા આભ નીચે સડકો પર બેસીને વેચતા રહ્યા, નેતાઓ માટે સભાઓ ભરતા રહ્યા.
રીપબ્લિકન પક્ષમાં આંબેડકરવાદની બારખડી ઘૂંટનારા જોનીભાઈએ પહેલી વાર કાંશીરામજીને સરસપુરના ડો.આંબેડકર હોલમાં સાંભળેલા. ત્યારે એટલા મોટા હોલમાં માત્ર 20 થી 25 માણસો હતા. મોટાભાગના રિપબ્લિકન પાર્ટીમાં જોડાયેલા હતા. ત્યારે નહિવત સંખ્યા હોવા છતાં માન્યવરે સતત બે કલાક ભાષણ આપેલું. અને ભાષણ પણ દિલ્લી સર કરવાનું. જોનીભાઈ એમના પટ્ટશિષ્ય હેમંત પરમારને એ ઘટના યાદ કરીને કહે છે, “અમે બધા જ આ ભાષણ સાંભળી સાહેબ પર હસીને મજાક ઉડાવતા કે આ કાંશીરામ ગાંડો માણસ છે. અહીંયા એક કોર્પોરેટરના ફાંફા પડે છે ને આ માણસ બાબાસાહેબના નામે દિલ્લી સર કરવાની વાતો કરે છે. પણ થોડા વર્ષો પછી એમના સંગઠનની વિકાસયાત્રા જોઈ હું પણ માન્યવરના બહુજન આંદોલનમાં સક્રિય થઈ ગયેલો."
છેલ્લા સિત્તેર વર્ષમાં ગુજરાતમાં ‘આંબેડકરવાદી’નો બિલ્લો લગાવીને ફરતા મોટાભાગના આંબેડકરવાદીઓએ ચૂંટણીઓ ટાણે પડદા પાછળ કે જાહેરમાં કોંગ્રેસ કે ભાજપના ઉમેદવારોને જીતાડવાના મરણીયા પ્રયાસો કરીને આંબેડકરવાદની ઘોર ખોદી નાંખી છે. જોની મકવાણાએ અકિંચન રહીને આંબેડકરવાદનો ઝંડો ઉંચો રાખ્યો છે. આવા ઝુઝારુ લડવૈયાઓ, વીસરાયેલા વીરલાઓ, ભૂલાયેલા ભડવીરો જ આંબેડકરવાદની ધરોહર છે. જોની મકવાણાને રાજુ સોલંકીની જય ભીમ સાથે એક કરારી સલામ.
લેખક : રાજુ સોલંકી,અમદાવાદ .

