ગુજરાતને ભાજપનો અભેદ કિલ્લો માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા પણ ગુજરાતે દેશને મહાન નેતાઓ આપેલ છે, જેમકે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યારબાદની વાત કરીએ તો દેશના પહેલા ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈ બાદ લાંબા અંતરાલ બાદ ગુજરાતે નરેન્દ્ર મોદી જેવા મજબૂત નેતા આપ્યા છે. પણ હવે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે ત્યારે 2022માં ગુજરાતમાં કોની સરકાર બનશે તે એક મુંઝવતો પ્રશ્ન થઈ ગયો છે.
જેતપુર: દિનેશકુમાર રાઠોડ દ્વારા, આગળ વાત કરી તેમ 182 વિધાનસભા સીટ ધરાવતા ગુજરાતમાં 2022 માં કોની સરકાર બનશે તે એક લોકચર્ચાનો મુદ્દો બની ગયો છે. કેમકે 2017ની વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો ખેલ ખેલાયો હતો. જેમાં પાટીદાર અનામત આંદોલનની અસર ખાસ્સી એવી જોવા મળી હતી. જેમાં ગુજરાત વિધાનસભાની 182 સીટમાંથી ભારતીય જનતા પાર્ટીને 99 સીટ, કોંગ્રેસને 77, ભારતીય ટ્રાઇબલ પાર્ટીને 02, એનસીપીને 01 અને અપક્ષને 03 સીટ મળી હતી. જેમાં કોંગ્રેસ અને ગુજરાતની સ્થાનિક પાર્ટી બિટીબીએ સારું પ્રદર્શન કર્યું હતું.
2014 પછી મુખ્યમંત્રી બદલવાનો સમય થયો શરૂ
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રીમાંથી જયારે 2014માં વડાપ્રધાન બન્યા ત્યારે તેમના વિશ્વાસુ કહેવાતા આનંદીબેન પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપી હતી. આ અગાઉ આનંદીબેન પટેલ રાજયના મહેસૂલમંત્રી અને શિક્ષણમંત્રી પણ રહી ચૂક્યાં હતા. આનંદીબેન પટેલના કાર્યકાળ દરમિયાન જ પાટીદાર અનામત આંદોલનો શરૂ થયા હતા. જેને તેમના દ્વારા કડકહાથે ડામી દેવામાં આવ્યા હતા. આ સાથે જ તેમના શાસનકાળ દરમિયાન જ ઉના કાંડ જેવી દલિત અત્યાચારની ઘટના સામે આવી. જેની પુરા દેશમાં અસર જોવા મળી હતી. આ બધી ઘટનાઓ બાદ લોકોના આક્રોશ વચ્ચે આનંદીબેન પટેલની જગ્યાએ વિજય રૂપાણીને ગુજરાતના સીએમ બનાવવામાં આવ્યા. તેમના નેતૃત્વ હેઠળ જ 2017 ની ચૂંટણી લડવામાં આવી. જેમાં તેમણે ભાજપને જીત અપાવી અને ફરી મુખ્યમંત્રી તરીકે બિરાજમાન થયા.
કોરોનાકાળે લીધો વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદનો ભોગ
કોરોનાકાળ દરમિયાન દેશ અને દુનિયાભરના લોકોએ ભારે હાલાકી ભોગવી હતી. જેમાંથી ગુજરાત ક્યાંથી બાકાત રહે! કોરોનાકાળ દરમિયાન લોકોએ પોતાના સ્વજનો ગુમાવવાનો વારો પણ આવ્યો હતો. પરંતુ છેલ્લે લોકો આક્રોશ તો સરકાર સામે જ ઠાલવે ત્યારે આ આક્રોશને ઠંડો પાડવા માટે ના છૂટકે ભાજપના મોવડી મંડળ દ્વારા સરકારમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો. જેમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીની જગ્યાએ ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. અને પાટીદાર સમાજને ભાજપ દ્વારા આડકતરી રીતે મેસેજ આપવામાં આવ્યો કે ભાજપ પાટીદાર સમાજ સાથે છે.
પાટીદાર સમાજ જેમની સાથે સત્તા તેમની પાસે!
ગુજરાતમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ પહેલેથી જ રહ્યું છે, પાટીદાર સમાજની આબાદી ગુજરાતની આબાદીમાં અંદાજીત 15 ટકાની આસપાસ માનવામાં આવે છે. ઉદ્યોગમાં પણ પાટીદાર સમાજનો દબદબો છે. ત્યારે દરેક રાજકીય પક્ષ પાટીદાર સમાજને પોતાની બાજુ ખેંચવા માટે પ્રયત્નશીલ રહેતો હોય છે. ગુજરાતમાં પાટીદાર સમાજમાં બે પેટા જ્ઞાતિ જોવા મળે છે. લેઉવા પટેલ અને કડવા પટેલ જેમાં લેઉઆ પટેલની મોટી આબાદી સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. જેને લઈને લેઉવા પટેલ સમાજ દ્વારા રાજકોટના કાગવડ ખાતે ખોડલધામ મંદિરનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. હાલ આ ખોડલધામ રાજકારણનું કેન્દ્રબિંદુ થઈ ગયું છે. હાલ ખોડલધામના પ્રમુખ તરીકે નરેશ પટેલ છે. અગાઉ ગુજરાતમાં કોંગ્રેસના મુખ્યમંત્રી પણ મોટા ભાગના પાટીદાર સમાજમાંથી આવી ચુક્યા હતા. જેમાં ગુજરાતમાં કોંગ્રેસ ના મુખ્યમંત્રી રહી ચૂકેલા માધવસિંહ સોલંકી દ્વારા ખામ થિયરીથી સરકાર બનાવી હતી. તેમની ખામ થિયરીની ભારે ચર્ચા રહી હતી.
હાલ ગુજરાતમાં આવનારી ચૂંટણીમાં જે રાજકીય પક્ષ તરફ પાટીદાર સમાજ ઢળશે તેમની સરકાર પણ બનવાની નિશ્વિત થઈ શકે છે.
