Tweet માંનું લખાણ જોતા પ્રથમ દર્શનીય રીતે કોગ્નીઝેબલ ગુનો બને છે તેવું કેમ કહી શકાય? FIR quash થાય તો જોયા જેવી થાય !
લેખક: કે. બી. રાઠોડ, નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (MLA Jignesh Mevani) ની ધરપકડ આસામ પોલીસ (Assam Police) ના કોઈ પોલીસ અધિકારી દ્વારા જીગ્નેશ મેવાણીએ કરેલ ટ્વિટ પર આધારિત કોઈ કહેવાતો ગુનો બને છે, તેવી FIR ના સંદર્ભમાં પાલનપુરના સર્કીટ (Palanpur Circuit House હાઉસમાંથી રાતના અગિયારેક વાગે કર્યા હોવાના સમાચાર મીડિયામાં ચમક્યા છે.
એવું સંભળાય છે કે આસામની પોલીસે તેને કોઇ FIR ના સંદર્ભમાં ધરપકડ કરી છે, પણ ધરપકડ કરનાર અધિકારીએ FIR ની નકલ જીગ્નેશ મેવાણીને આપેલ નથી કે ધરપકડના કારણો આપેલ નથી.
ભારતીય બંધારણના આર્ટીકલ 22 મુજબ કોઈ નાગરિકની ધરપકડ કે અટકાયત કરતા પહેલા તેને તેની ધરપકડ કે અટકાયતના કારણો જણાવવા જોઈએ. અને તેને જે કોઈ ગુનામાં પકડેલ હોય તેની FIR ની નકલ આપવી ફરજીયાત છે. માટે આવું જો હોય તો પોલીસનું આ પગલુ ગેરબંધારણીય છે.
એવું પણ સંભળાય છે કે જીગ્નેશ મેવાણી ને ધરપકડ સામે રજૂઆત કરવા માટે પોતાની પસંદગીના વકીલ ને બોલાવી સલાહ લેવાનો કે રજૂઆત કરવા દેવામાં આવેલ નથી.
ભારતના બંધારણ (Constitution of India) ના આર્ટીકલ 22 (Article 22) માં એવી પણ જોગવાઈ કરવામાં આવેલ છે કે ધરપકડ કે અટકાયત કરનાર વ્યક્તિને પોતાના પસંદગીના કાનૂની સલાહકાર કે વકીલની સલાહ કે તેના મારફત રજૂઆત કરવાનો અધિકાર છે. જીગ્નેશ મેવાણીના કથન મુજબ તેને પોતાના વકીલ મિત્ર ને બોલાવી સલાહ લેવાની કે રજૂઆત કરવાની ધરપકડ કરનાર પોલીસે ના પાડી દીધી.
નામદાર સુપ્રીમ કોર્ટે ડી. કે. બાસુ વિરુદ્ધ સ્ટેટ ઓફ વેસ્ટ બેંગાલના લેન્ડમાર્ક જજમેન્ટ માં ગાઇડલાઇન આપેલ છે. તેમાં પણ ધરપકડ અને અટકાયત સંબંધિત જેની ધરપકડ કરવાની છે તેના અધિકારો આપેલ છે તેમાં ભારતના બંધારણના આર્ટીકલ 22 ઉપરાંત અનેક પ્રકારની ગાઇડલાઇન ધરપકડ કરનાર પોલીસે ફોલો કરવાનું લખેલ છે.
નામદાર સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટ દેશની તમામ કોર્ટોમાં, પોલીસ સ્ટેશનોમાં સરક્યુલેટ કરાવેલ છે. એટલું જ નહિ પણ પ્રીન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને ન્યુઝ ચેનલો મારફતે પણ સર્ક્યુલેટકરી બહોળી પ્રસિદ્ધિ કરાવેલ છે. દેશભરની લીગલ સર્વિસીસ ઓથોરીટીસ (Legal Services Authority) મારફત આ જજમેન્ટ અંગે લીગલ અવેરનેસ અને કાનૂની શિક્ષણ શીબીરો યોજાઈ ગયેલ છે.
ટૂકમાં ભારતના બંધારણના આર્ટીકલ 22 માં આપેલ અધિકાર તે મૂળભૂત અધિકાર છે. મૂળભૂત અધિકારના ઉલ્લંઘન માટે કાનૂની ઉપચારની જોગવાઈ ભારતના બંધારણના આર્ટીકલ 32 માં કરવામાં આવેલ છે. આર્ટીકલ 32 પણ મૂળભૂત અધિકાર છે. નામદાર સુપ્રીમ કોર્ટને મૂળભૂત અધિકાર ના ભંગ ના કિસ્સાઓ માં આ અધિકારનો અમલ કરાવવા ની સતા છે.
સામાન્ય સિરસ્તો કહીએ તો અથવા પ્રોપર ચેનલ પ્રોસીજર એવી હોઈ શકે કે બીજા કોઈ રાજ્યની પોલીસ જ્યારે ગુજરાત રાજ્યની લોકલ લીમીટમાં કાયમી વસવાટ કરતી વ્યક્તિની ધરપકડ કરવા આવે તો સૌ પ્રથમ જે તે રાજ્યના જે તે જિલ્લાના જે તે તાલુકાની હકુમતની ફોજદારી કોર્ટમાંથી ધરપકડ કરવા સંબંધિત નોનબેઇલેબલ વોરંટ કઢાવીને સાથે લઇને આવવું જોઈએ.
બીજું બીજા રાજ્યની પોલીસના ધરપકડ કરવા આવનાર અધિકારીએ જે વ્યક્તિની ધરપકડ કરવાની છે તે લોકલ વિસ્તારની ગુજરાત પોલીસ સ્ટેશનના અધિકારીને મળી ને તેને સાથે રાખવા જરૂરી છે. આવુ કરવાનું એટલા માટે ઇચ્છનાર છે કે જેની ધરપકડ કરવાની છે, તેની પ્રોપર ઓળખ સીક્યોર થાય. બીજુ ધરપકડ કરતી વખતે કોઈ અનિચ્છનીય બનાવ બને તો લોકલ પોલીસ તે વખતે લો એન્ડ ઓર્ડર જાળવી શકે. આ કિસ્સામાં આવી પ્રોસીજર થઈ હોય તેવી કોઇ હકીકત જાહેર થતી નથી.
અર્નેશકુમારના નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ કોગ્નીઝેબલ ગુનામાં પોલીસ કોઈની ધરપકડ કરે અને જો ગુનો બિનજામીનપાત્ર હોય તો પણ સાત વર્ષથી ઓછી કેદની શિક્ષાને પાત્ર હોય તો પોલીસ તેને મેજીસ્ટ્રેટ પાસે ન લઈ જતા ધરપકડ કર્યા પછી યોગ્ય રકમના જામીન પર છોડી શકે છે. એટલે જીગ્નેશ મેવાણી વિરુદ્ધના કહેવાતા ગુનાઓ જો સાત વર્ષથી ઓછી સજાના હોય તો આસામની પોલીસ પણ ધરપકડ કર્યા પછી તેને જામીન પર છોડવા બંધાયેલ છે. નામદાર સુપ્રીમ કોર્ટનું આ જજમેન્ટ આર્ટીકલ 141 (Article 14) ના અર્થમાં કાયદો બની જાય છે. જે માનવા અને તેનું પાલન કરવા પોલીસ બંધાયેલ છે.
ધારાસભ્ય એ બંધારણીય પદ છે. લોકશાહીના પ્રજાસત્તાક લોકશાહીના ચુંટાયેલ પ્રતિનિધિ છે. ધારાસભ્યની ધરપકડ કે અટકાયત કરતા પહેલા વિધાનસભાના અધ્યક્ષની પરવાનગી લેવાની કાનૂની જોગવાઈ છે કે કેમ? પણ એક શિરસ્તા મુજબ વિધાનસભાના અધ્યક્ષ/ સ્પીકરની મંજુરી લેવી જોઈએ.
નોંધ: આ લેખ કે. બી. રાઠોડ, નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ સાહેબના અધિકૃત ફેસબુક એકાઉન્ટ પરથી પરવાનગી લઈને અહીં પબ્લિશ કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે સંબંધિત વિભાગનો સંપર્ક કરવા વિનંતિ.
RevoltNewsIndia MLAJigneshMevani AssamPolice GujaratPolice
